Sunday, 26 June 2016

રાજ્યમાં 17000 પોલીસ જવાનોની ભરતી કરાશે, પરીક્ષા પદ્ધતિમાં કરાયો ફેરફાર

ગાંધીનગર: રાજ્યના પોલીસ તંત્રમાં મોટાપાયે ખાલી જગ્યાઓ ભરવા કોન્સ્ટેબલ સહિત વિવિધ કેડરમાં એકસાથે 17 હજાર જગ્યાઓની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેથી ચાલુ વર્ષમાં એકસાથે મોટુ સંખ્યાબળ રાજ્યના પોલીસ તંત્રને મળશે. બજેટમાં રાજ્ય સરકારે વિવિધ વિભાગોમાં 66 હજાર જગ્યાઓ ભરવાની મંજૂરી આપી હતી જેમાંથી પોલીસમાં કોન્સ્ટેબલની 17 હજાર જેટલી જગ્યાઓને પણ મંજૂરી અપાઇ છે.
ગૃહ રાજ્યમંત્રી રજની પટેલે કહ્યું કે, ટૂંક સમયમાં ભરતીની પ્રક્રિયા શરૂ થશે. કોન્સ્ટેબલ ઉપરાંત પીએસઆઇની ભરતી પ્રક્રિયા પણ શરૂ થશે. ઉમેદવારોની સરળતા માટે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ પ્રથમ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવતી હતી અને ત્યારબાદ લેખિત પરીક્ષા લેવામાં આવતી હતી. તેના બદલે હવે પ્રથમ લેખિત પરીક્ષા લેવાશે અને તેમાં ઉત્તિર્ણ થનારા ઉમેદવારોને જ ફિઝીકલ ટેસ્ટ આપવાની રહેશે. આ નવા નિયમ પ્રમાણે પ્રથમવાર ભરતી થશે. આ વર્ષે ભરતી બાદ પણ જગ્યાઓ ખાલી તો રહેશે પરંતુ બેથી ત્રણ વર્ષમાં તમામ જગ્યાઓ ભરાઇ જશે.
હાલ વિવિધ કેડરમાં 24900 જેટલી જગ્યાઓ ખાલી છે. ગત વર્ષે 8 હજાર જગ્યાઓ ભરવામાં આવી હતી. જ્યારે આ વર્ષે તેનાથી બમણી જગ્યાઓ ભરવામાં આવશે. તે પછી પણ નિવૃત્તિના કારણે ખાલી જગ્યાઓમાં વધારો થશે. જો કે આવનારા બેથી ત્રણ વર્ષમાં તમામ જગ્યાઓ ભરાય જશે તેવો સરકારને વિશ્વાસ છે.

No comments:

Post a Comment